અરુણાચલ પ્રદેશ મુદ્દે ફરી ભારત અને ચીન વચ્ચે તકરાર, શું છે વિવાદ?
અરુણાચલ પ્રદેશ મુદ્દે ફરી વાર ભારત અને ચીન વચ્ચે વિવાદ સર્જાયો છે. મામલો ચીનમાં થનારી એક આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા સાથે જોડાયેલો છે.
ભારતીય વુશુ ટીમના ત્રણ ખેલાડીને ચીનના સ્ટૅપલ વિઝા ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. ભારતીય પાસપૉર્ટ હોવા છતાં ચીનના આ પગલાને લઈને ભારતે મજબૂત વાંધો દર્શાવ્યો અને સમગ્ર ટીમે આ પ્રતિસ્પર્ધામાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો.
ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું કે ભારતીયન નાગરિકોના વિઝાને લઈને ભેદભાવ ન કરી શકાય.
તેમણે કહ્યું, “અમને આ જાણકારી મળી છે કે ચીનમાં એક આંતરરાષ્ટ્રીય ખેલસ્પર્ધા માટે અમારા કેટલાક નાગરિકોને સ્ટૅપલ વિઝા ઇસ્યૂ કરવામાં આવ્યા છે. આ અસ્વીકાર્ય છે. અમે ચીન સમક્ષ આ મામલે અમારો વાંધો રજૂ કરી દીધો છે.”
ચીન અરુણાચલ પ્રદેશને લઈને ભારતના દાવા પર હંમેશાં સવાલ ઉઠાવતું રહ્યું છે. તે કોઈ પણ ભારતીય નેતા જો અરુણાચલ પ્રદેશની મુલાકાતે જાય તો તેના પર વાંધો વ્યક્ત કરતું આવ્યું છે.
જોકે, ભારતે વારંવાર એ કહ્યું છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે અને તેને અલગ ન કરી શકાય.
ચીને 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહના અરુણાચલ જવા પર પણ વિરોધ કર્યો હતો. 2020માં ગૃહમંત્રી અમિત શાહની અરુણાચલ મુલાકાત પર ચીને વાંધો રજૂ કર્યો હતો.
ચીનનો વાંધો
દર વખતે ભારત ચીનના વાંધાને ફગાવતું રહ્યું છે. ચીન અરુણાચલ પ્રદેશમાં 90 હજાર વર્ગ કિલોમીટર જમીન પર પોતાનો દાવો કરે છે જ્યારે ભારતનું કહેવું છે કે ચીને પશ્ચિમમાં અક્સાઇ ચીનના 38 હજાર વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ગેરકાનૂની કબજો કરી રાખ્યો છે.
ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટ ગણાવે છે. બંને દેશો વચ્ચે 3500 કિલોમીટર (2174 માઇલ) લાંબી સરહદ છે. 1912 સુધી તિબેટ અને ભારત વચ્ચે કોઈ સ્પષ્ટ સીમારેખા ખેંચવામાં આવી નહોતી.
આ વિસ્તારો પર ન તો મુઘલોનું નિયંત્રણ હતું, ન તો અંગ્રેજોનું. ભારત અને તિબેટના લોકો પણ કોઈ સ્પષ્ટ સીમારેખા મામલે નિશ્ચિત નહોતા.
બ્રિટિશ શાસકોએ પણ આના માટે કોઈ જહેમત ઉઠાવી નહીં. તવાંગમાં જ્યારે બૌદ્ધ મંદિર મળ્યું તો સીમારેખાનું આકલન શરૂ થયું. 1914માં શિમલામાં તિબેટ, ચીન અને બ્રિટિશ ભારતના પ્રતિનિધિઓની બેઠક થઈ અને સીમારેખા નિર્ધારિત થઈ.
ચીને તિબેટને ક્યારેય સ્વતંત્ર દેશ નથી માન્યો. તેણે 1914ની શિમલા સમજૂતીમાં પણ એવું નહોતું માન્યું. 1950માં ચીને તિબેટને સંપૂર્ણ પોતાના કબજામાં લઈ લીધું. ચીન ઇચ્છતું હતું કે તવાંગ એનો ભાગ રહે જે તિબેટીયન બૌદ્ધ માટે ઘણું મહત્ત્વનું છે.
વર્ષો જૂનો વિવાદ
1949માં માઓત્સે તુંગે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની રચના કરી. 1લી એપ્રિલ, 1950ના રોજ ભારતે એને માન્યતા આપી અને રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા.
ચીનને આ રીતે પ્રાથમિકતા આપનાર તરીકે ભારત પ્રથમ બિન-સામ્યવાદી દેશ બન્યો.
1954માં ભારતે તિબેટને લઈને પણ ચીનની સંપ્રભુતાને સ્વીકારી. જેને અર્થ કે ભારતે માની લીધું કે તિબેટ ચીનનો ભાગ છે. ‘હિંદી ચીની, ભાઈ-ભાઈ’નો નારો પણ પોકાર્યો.
વર્ષ 1914માં શિમલા સમજૂતી હેઠળ મૅકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ માનવામાં આવી, પરંતુ 1954માં નહેરુએ તિબેટને એક સમજૂતી હેઠળ ચીનનો ભાગ માની લીધું.
જૂન 1954થી જાન્યુઆરી 1957 વચ્ચે ચીનના પ્રથમ વડા પ્રધાન ચાઉ એન લાઇ ચાર વખત ભારતના પ્રવાસે આવ્યા. ઑક્ટોબર 1954માં નહેરુ પણ ચીન ગયા.
1950માં ચીને તિબેટ પર હુમલો શરૂ કરી દીધો અને તેને પોતાના અંકુશમાં લઈ લીધું. તિબેટ પર ચીનના હુમલાથી આ વિસ્તારની જિયોપૉલિટિક્સ પણ બદલાઈ ગઈ.
ચીનના હુમલા પહેલાં તિબેટની નિકટતા ચીનની સરખામણીએ ભારત સાથે વધુ હતી. આખરે તિબેટ એક સંપ્રભુ પ્રાંત ન રહ્યો.
ભારતીય વિસ્તારોમાં પણ અતિક્રમણની શરૂઆત ચીને 1950ના દાયકાના મધ્યમાં શરૂ કરી દીધી હતી. 1957માં ચીને અક્સાઇ ચીનના રસ્તે પશ્ચિમમાં 179 કિલોમીટર લાંબો માર્ગ બંધાવ્યો હતો.
સરહદ પર સંઘર્ષ
સરહદ પર બંને દેશના સૈનિકોની પહેલી ટક્કર 25 ઑગસ્ટ, 1959ના રોજ થઈ હતી. ચીનની પેટ્રોલિંગ કરતી ટુકડીએ નેફા ફ્રંટિયર પર લોંગજુમાં હુમલો કર્યો હતો. આ વર્ષે 21 ઑક્ટોબરે લદાખના કોંગકામાં ગોળીબાર થયો.
તેમાં 17 ભારતીય સૈનિકોનાં મોત થયાં હતાં અને ચીને તેને આત્મરક્ષા માટે કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી હતી.
ભારતે ત્યારે કહ્યું હતું કે ‘તેમના સૈનિકો પર એકાએક હુમલો થયો હતો.’
એલએસી પણ બની એલઓસી?
ચીનના હુમલા બાદ તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને ભાગવું પડ્યું હતું. 31 માર્ચ, 1959ના રોજ દલાઈ લામાએ ભારતમાં પગ મૂક્યો હતો. 17 માર્ચના રોજ તે તિબેટની રાજધાની લ્હાસાથી પગપાળા જ નીકળ્યા હતા અને હિમાલયના પહાડોને પાર કરીને 15 દિવસ બાદ ભારતીય સરહદમાં દાખલ થયા હતા.
એપ્રિલ 2017માં તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ અરુણાચલ પ્રદેશની યાત્રા કરી હતી ત્યારે ચીને તેનો સખત વિરોધ કર્યો હતો કે ભારતે આની મંજૂરી નહોતી આપવી જોઈતી હતી અને આનાથી ભારતને કોઈ ફાયદો થશે નહીં.
2જી જૂન, 2017ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના સૅન્ટ પિટર્ઝબર્ગમાં આંતરરાષ્ટ્રીય ઇકૉનૉમિક ફોરમની પેનલ ડિસ્કશનમાં કહ્યું હતું કે, “ચીન અને ભારતમાં સરહદ વિવાદ છે, પરંતુ બંને દેશો વચ્ચે સરહદ પર પાછલાં 40 વર્ષમાં એક પણ ગોળી નથી ચાલી.”
ચીનના વડા પ્રધાન મોદીએ આ નિવેદનનું સ્વાગત કર્યું હતું અને હાથ પણ મિલાવ્યા હતા.
પરંતુ ભારત હવે એ પણ કહેવાની સ્થિતિમાં નથી. જૂન 2020માં ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. ભારતના 20 સૈનિકનાં મોત થયાં હતાં અને ચીન પાસેથી આવેલી જાણકારી અનુસાર તેમના 4 સૈનિકો માર્યા ગયા હતા.
ત્યાર બાદ બંને દેશોના સૈનિકો વચ્ચે સરહદી વિસ્તારોમાં નાનીમોટી અથડામણો થતી રહી છે.
દાવા પ્રતિદાવા
ભારત ચીન સાથે 3488 કિલોમીટરની લાંબી સરહદ ધરાવે છે. આ સરહદ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં થઈને પસાર થાય છે.
આ સરહદ ત્રણ સૅક્ટરોમાં વહેંચાયેલી છે. પશ્ચિમી સૅક્ટર એટલે કે જમ્મુ-કાશ્મીર, મિડલ સૅક્ટર એટલે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તથા પૂર્વીય સૅક્ટર એટલે કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ.
બંને દેશો વચ્ચે હજુ સુધી સંપૂર્ણ સીમાંકન નથી થયેલું, કેમ કે આ કેટલાક વિસ્તારોમાં બંને વચ્ચે મતભેદો છે.
ભારત પશ્ચિમી સૅક્ટરમાં અક્સાઈ ચીન પર પોતાનો દાવો કરતું આવ્યું છે, પરંતુ એ વિસ્તાર હાલ ચીનના નિયંત્રણમાં છે. ભારત સાથે 1962ના યુદ્ધ દરમિયાન ચીને આ સમગ્ર વિસ્તાર પર કબજો કરી લીધો હતો.
જ્યારે પૂર્વીય સૅક્ટરમાં ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. ચીનનું કહેવું છે કે તે દક્ષિણી તિબેટનો ભાગ છે. ચીન તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મૅકમોહન રેખાને પણ નથી માનતું.
ચીનનું કહેવું છે કે 1914માં જ્યારે બ્રિટિશ ભારત અને તિબેટના પ્રતિનિધિઓએ આ સમજૂતી કરી હતી ત્યારે તે ત્યાં હાજર નહોતું. તેનું કહેવું છે કે તિબેટ ચીનનું અંગ રહ્યું છે એટલે એ જાતે કોઈ નિર્ણય નથી લઈ શકતું.
1914માં તિબેટ એક સ્વતંત્ર પણ નબળો દેશ હતો, પરંતુ ચીને તિબેટને ક્યારેય સ્વતંત્ર દેશ નથી માન્યો. 1950માં ચીને તિબેટને સંપૂર્ણ પોતાના કબજામાં લઈ લીધું હતું.
ચીન અરુણાચલ પ્રદેશમાં મૅકમોહન રેખાને નથી માનતું અને અક્સાઇ ચીન પર ભારતના દાવાને પણ ફગાવે છે.