સુરત ત્રિપલ મર્ડર : કારીગરોએ જ કારખાનામાલિક સહિત ત્રણનો જીવ લીધો, શું છે મામલો?
- સુરતના અમરોલી વિસ્તારમાં એક એમ્બ્રૉઈડરી કારખાનામાં કારખાનામાલિક સહિત ત્રણની હત્યાની ઘટના સામે આવી
- હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
- હૉસ્પિટલ ખાતે મંત્રી વીનુ મોરડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના નેતાઓ પણ દોડી ગયા
- બે આરોપી કારીગરોની ધરપકડ, એક સગીર વયનો
સુરતના અમરોલી વિસ્તારમાં એક એમ્બ્રૉઇડરી કારખાનામાં કારખાના માલિક સહિત ત્રણની હત્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના ગંજમ જિલ્લાના વતની એવા બે આરોપીની ધરપકડ કરી હોવાના અહેવાલ છે.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા છે.
હત્યા કરનાર આરોપીઓ કારીગર જ હોવાની વાત સામે આવી રહી છે.
સુરતના ડીસીપી હર્ષદ મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં ઘટના અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે "અમરોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે અને ઝડપથી કાર્યવાહી ચાલી રહી છે."
"તપાસ માટે એક એસઆઈટીની રચના પણ કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ અને આગેવાનો સાથે એક મીટિંગ પણ થઈ હતી. આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ઝડપથી ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે."
હૉસ્પિટલ ખાતે રાજ્ય સરકારના મંત્રી વીનુ મોરડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના નેતાઓ પણ દોડી ગયા હતા.
મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ હૉસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને કઠોર પોલીસ કાર્યવાહીની માગ કરી હતી.
તો આ ઘટના પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું છે, "સુરતમાં બનેલી ત્રિપલ મર્ડરની ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે."
"નોકરીમાંથી છૂટા કરતા કારીગરે માલિક પિતાપુત્ર સહિત માલિકના સંબંધીનું ખૂન કરી નાખ્યું."
આ લેખમાં Twitter દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Twitter કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Twitter કન્ટેન્ટ પૂર્ણ
સીસીટીવીમાં ઘટના કેદ
મીડિયા અહેવાલ અનુસાર, હુમલાની ઘટના બાદ ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે ટૂંકી સારવાર બાદ ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.
આ ઘટનામાં પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આરોપીઓએ પહેલા ચપ્પુ વડે કારખાનામાલિક તેમજ તેમના પિતા પર હુમલો કર્યો હતો.
આ મારામારીમાં બાપ દીકરાને બચાવવા જતા મામા પણ ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન ત્રણેયનાં મોત થયાં હતાં.
ઘટનાની વિગતો આપતા સુરતના ડીસીપી હર્ષદ મહેતા કહે છે, “અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી વેદાંતા ઈન્ડસ્ટ્રીઝમાં એક એમ્બ્રૉઈડરીના કારખાનામાં રવિવારની સવારે નવથી સવા નવ વાગ્યાના અરસામાં આ ઘટના બની છે. રાત્રિ પાળીના મજૂર અને કારખાનામાલિક વચ્ચેના અણબનાવને પગલે મજૂરે ચાકુથી હુમલો કરતા ત્રણેયનાં મૃત્યુ નીપજ્યા છે.”
પોલીસના કહેવા પ્રમાણે, “બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેમની પૂછપરછ ચાલી રહી છે. પકડાયેલા બે આરોપીમાંથી એક સગીર છે. તેમના જન્મનાં પ્રમાણપત્ર મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ સીસીટીવી કૅમેરાની તપાસ કરી રહી છે.”
“આરોપીઓની અને આસપાસના લોકોની પૂછપરછના આધારે એવી વાત બહાર આવી રહી છે કે બંને મજૂરો આ કારખાનામાં રાત્રિ પાળીમાં કામ કરતા હતા. 10 દિવસ પહેલાં આ બંને મજૂરો આ કારખાનામાં કામે લાગ્યા હતા. રાત્રિ પાળીમાં એક મજૂર ઊંઘી ગયો હતો. તે સંદર્ભે સવારે આઠ વાગ્યે કારખાનામાલિક સાથે બોલાચાલી થઈ અને એમાં જ ઝઘડો આગળ વધ્યો હતો.”
“આ ગંભીર ઘટના પાછળ ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ કમિશનર, જેસીપી સહિતની સુરત શહેર પોલીસની પૂરી ટીમ લાગેલી છે.”
હત્યાનું કારણ અકબંધ?
મીડિયા અહેવાલ અનુસાર, સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે ફૅક્ટરી માલિકનો એક વ્યક્તિ સાથે ઝઘડો ચાલી રહ્યો છે.
દરમિયાન એક અન્ય વ્યક્તિ જોવા મળે છે અને માલિક પર તત્કાલ હુમલો કરી દે છે. આકસ્મિક હુમલાથી લોહીલુહાણ ફેક્ટરી માલિક ઢળી પડે છે.
ત્યારબાદ બંને હુમલાખોરો ત્યાંથી ઝડપથી નીકળી જાય છે. ઘાયલ વ્યક્તિ તેમનો પીછો કરવાની કોશિશ કરે છે અને સીડી પરથી હવામાં ઉછળતી નીચે પટકાય છે.
પોલીસનું કહેવું છે કે "એફએસએલની ટીમ પણ પહોંચી છે અને સ્થળ પરથી પુરાવા એકઠા કરી રહી છે."
આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યાં હતાં એ અંગે પૂછતા ડીસીપી હર્ષદ મહેતાએ કહ્યું કે આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેમણે ઑનલાઇન છરી મંગાવી હતી.